Friday, October 1, 2021

મહાત્મા ગાંધી જયંતી | Gandhi Jayanti

 ✦ મહાત્મા ગાંધી જયંતી 



(1869-1948)




⦁ આપણે વર્ષ દરમિયાન અનેક સામાજીક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ. ગાંધીજયંતી આપણો રાષ્ટ્રીય તહેવાર છે.

⦁ ગાંધી જયંતીનો તહેવાર દર વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે ઉજવાય છે.

⦁ ગાંધી જયંતી એટલે ગાંધીજીનો જન્મદિવસ. ઈ.સ. ૧૮૬૯ના ઓક્ટોબરની બીજી તારીખે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી નો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં થયો હતો. ગાંધીજી બાળપણમાં એક સામાન્ય બાળક હતા. સામાન્ય બાળકોની જેમ તેમનાથી પણ અનેક ભૂલો થઇ હતી, પરંતુ તેમનામાં હંમેશા સાચું બોલવાનો ગુણ હતો. તથા 'મારા થી આ ભૂલ થઇ ગઈ છે', એની જાણ થયા પછી તેઓ તે ભૂલ ફરીથી ક્યારેય કરતા ન હતા. આ મહાન ગુણને લીધે જ જીવનમાં થતી ભૂલો સુધારી શક્યા અને મહાન બન્યા. તેવો વિલાયત જઈને વકીલાતનું ભણ્યા. તેઓ દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં સત્યાગ્રહનો માર્ગ અપનાવી અંગ્રેજો દ્વારા અપનાવાયેલી રંગભેદની નીતિ ને લીધે થતા અન્યાયો તેમને દૂર કરાવ્યા.ઈ.સ. ૧૯૧૫માં તેઓ ભારત આવ્યા. ભારતના લોકો અંગ્રેજોની ગુલામી માં અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા. ગાંધીજી એ સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદ કરવા અંગ્રેજો સામે લડત ચલાવી. લાંબા સંઘર્ષ અને અંતે ઈ.સ.૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. ગાંધીજી 'રાષ્ટ્રપિતા' તરીકે દેશના કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામ્યા.

⦁ ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા. સવાર-સાંજ ફરવા જતા અને પ્રાર્થના કરતા. તે દરરોજ રેંટિયો કાંતતા. તે ઘણી ઓછી વસ્તુઓથી ચલાવી લેતા હતા. લોકોનું દુઃખ જોઇ તેમનું હૈયું દ્રવી ઊઠતું. તેઓ કર્મયોગી હતા, એક સંત પણ હતા. તેથી જ 'મહાત્મા' તરીકે ઓળખાયા.

⦁ ગાંધીજી જયંતીના દિવસે ઠેર-ઠેર સમૂહ પ્રાર્થના અને સમૂહકાંતણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્હી માં આવેલી છે. તે 'રાજઘાટ' તરીકે ઓળખાય છે.આ દિવસે દેશનેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈ ત્યાં ફૂલો ચડાવે છે. ત્યાં ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શાળાઓમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. પ્રાર્થના સભામાં ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવજન તો તેને રે કહીએ. . . ' ગવાય છે. ગાંધીજી ના જીવન અને કાર્યો વિશે વક્તવ્યો આપવામાં આવે છે. કેટલાક સ્થળે ગાંધી સાહિત્યનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે.

⦁ ગાંધીજી વીસમી સદીની શ્રેષ્ઠ પ્રતિભા છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ તેમજ સત્ય, અહિંસા,સાદાઈ અને સેવાના ગુણોને આપણા જીવનમાં ઉતારવા જોઈએ.




2 comments: